“આમ આદમી પાર્ટી, માણસા” ના ઉપક્રમે ચૂંટણી ચર્ચા બેઠક સંપન્ન

1070

સ્વરાજ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણ માટે સ્થાપિત “આમ આદમી પાર્ટી” ના માણસા વિધાનસભા મતવિસ્તારના કાર્યકર્તાઓ અને સમર્થકોની એક બેઠકનું આયોજન આજરોજ માણસા મુકામે કરવામાં આવ્યું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અને ચૂંટણી જીતવા માટે પૂર્વાયોજન માટે આ બેઠકનું આયોજન કરવામાં આવેલ.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી કન્વીનરશ્રી આશુતોષ પટેલ આ સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગારી, ખેતી, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, રોડ જેવા ક્ષેત્રોમાં અણઘડ નીતિઓને કારણે જનતાની પરસેવાની કમાઈ રૂપી ટેક્ષના હજારો કરોડો ખરચ્યા પછી પણ ગુજરાતની અધોગતિ થયેલ દેખાય છે. “નામ બડે ઔર દર્શન
ખોટે” એવો ઘાટ ગુજરાતની ભાજપા સરકારના ખોટી બડાઈ અને ડંફાસો મારતી ગતિશીલ ગુજરાત અને અડીખમ ગુજરાત, બેટી બચાવો, બેટી પઢાવો જેવી જાહેરખબરોનો થયો છે. આમ આદમીને ભાગે તો ખાનગીકરણને પાપે શાળા, કોલેજ, હોસ્પિટલ, રોડનો બેફામ ટોલ ટેક્સ જેવી સેવાઓ માટે માલિકો દ્વારા થતી લૂંટ ચૂપચાપ સહન કરવાનું આવ્યું છે.

આમ આદમી પાર્ટીના માણસા વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ તુષારભાઈ જાનીએ પણ કાર્યકર્તાઓને સંબોધનમાં જણાવ્યું હતું કે પોતાના ફાયદા માટે મુસ્લિમ બિરાદરોને ભડકાવનાર મૌલવીઓ અને કોંગ્રેસી નેતાઓની જેમ હિંદુઓને ભડકાવીને પોતાની ખીચડી પકવનારા ભાજપાના ભડવા ઢોંગી રાષ્ટ્રવાદીઓ અને તકસાધુઓ આપણ હિંદુઓની અને દેશની શું હાલત કરશે? એ વિચારવું જોઈએ. વિકાસના સાચા કામોને બદલે ખોટા અપપ્રચાર અને રાજકીય મિલીભગતથી રાજ કરનારા ભાજપા- કોંગ્રેસથી નિરાશ થયેલી ગુજરાતની જનતા એક સાચો વિકલ્પ શોધી રહી છે.

ઉત્તર ગુજરાત ઝોન મિડીયા કન્વીનરશ્રી રાકેશ પ્રજાપતિ એ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે ભાજપા- કોંગ્રેસની ભ્રષ્ટ નીતિ-રીતિથી મોહભંગ થયેલ ગુજરાતની જનતા વિધાનસભાની ચૂટણીમાં ગુજરાતમાં ઐતિહાસિક રાજકીય પરિવર્તન લાવશે અને દેશને નવી રાહ દેખાડશે એવા વર્તારા જણાઈ રહ્યા છે. શિક્ષણના ખાનગીકરણ , બેરોજગારી, માઝા મૂકતી મારફાડ મોંઘવારી, અણ આવડત, ગેરવહીવટ, કુશાસન, ભયંકર અને ભોરીંગ ભ્રષ્ટાચાર જેવી વિકટ સમસ્યાઓથી જનતાને છુટકારો આપવામાં નિષ્ફળ રહેલી સરકાર વિરુદ્ધ જનતાનો છૂપો આક્રોશ હવે *”વિકાસ ગાંડો થયો છે” * અને *”મારા હાળા છેતરી ગયા”* નાં ટૂચકાં રૂપે સ્વયંભુ બહાર આવી રહ્યો છે. આ સમય ખૂબ જ નિર્ણાયક છે અને ગુજરાતની જનતાની અપેક્ષાઓને પૂરી કરી શકે એવું સક્ષમ અને નિષ્ઠાવાન રાજકીય નેતૃત્વ ઊભું કરવું જરૂરી છે.

પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા શ્રી રમણભાઈ પરમારે પણ પોતાની આગવી છટામાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે તિકડમબાજ નેતાઓ સર્કસના જોકર કે ફિલ્મોના અભિનેતાની જેમ અભિનય કરીને કે પૈસા અને દારુના બદલામાં અબુધ જનતા અને અપરિપક્વ મતદાતાના વોટ મેળવી સત્તા તો મેળવી લે છે પણ નૈતિકતા અને બૌદ્ધિકતાના અભાવે પોતાની ફરજ બજાવી સકતા નથી જેની કિંમત દેશની જનતાએ ચૂકવવી પડે છે. આથી જ ગુજરાતની જનતાની આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે આમ આદમી પાર્ટી રાજ્યભરમાંથી લાયક ઉમેદવારોની શોધ ચલાવી રહી છે.
નારણભાઈ ચૌધરી, વિજય ઠાકોર, બલવંત રાઠોડ, દિપક પટેલ, ડી. કે. પટેલ, વિનુભાઈ ચૌધરી, મોતીભાઈ દેસાઈ વગેરે કાર્યકર મિત્રો એ પોતાનો સૂર વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની રાજનીતિમાં સ્વચ્છ, સક્ષમ, સુશિક્ષિત, સંનિષ્ઠ, સેવાભાવી નાગરિકોની ભાગીદારી જ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની બાંહેધરી આપી શકે. ગુજરાતની તમામ વિધાનસભામાં “આમ આદમી પાર્ટી” ના ઉમેદવાર માટેની શોધ પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે. ગુજરાતની દરેક વિધાનસભા મતક્ષેત્રમાંથી સક્ષમ નાગરિકોને પોતાની અથવા પોતાના પરિચિત નાગરિકની ઉમેદવારી નોંધાવવા માટે આમંત્રણ છે. નિષ્ઠાવાન, કર્મનિષ્ઠ અને કાર્યક્ષમ આમ આદમીને નેતૃત્વ આપવું જ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here